Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : વગર વિચાર્યું ખાવું નહીં…દહીં, જાણો શા માટે……

0 311

આયુર્વેદના ગ્રન્થોમાં દહીંને રુચિકર કહ્યું છે. જે દ્રવ્યમાં રુચિકર ગુણ હોય તે સૌને ભાવે તેવું અને જે કોઈ દ્રવ્યમાં મેળવીએ તો તે પણ ભાવે તેવો તેમાં ગુણ હોય છે.ભાત, ખીચડી, રોટલો, થેપલાં, ફરસાણ બધાં સાથે ભાવતું હોવાથી આબાલવૃદ્ધ સૌને દહીં ખાવામાં રુચિ રહેલી હોય છે. ગોપાલનના સમર્થક આ દેશમાં પ્રાચીન યુગથી ઘેર ઘેર ગાયો હતી ત્યારથી દૂધ, ઘી, માખણ, મલાઈ, છાશની સાથે સાથે દહીં ખાવા પ્રત્યે પક્ષપાત રહેલો છે. માખણચોર, કૃષ્ણને પણ, માખણની જેમ દહીં પણ પ્રિય હતું. ઘેરઘેર દૂઝણાં હતાં ત્યારે ગામડાંમાં દહીં ખાવાનું સામાન્ય હતું. આજે પણ લોંજ,રેસ્ટોરન્ટ વગેરેમાં દહીંની વાટકી પહેલાં પીરસવામાં આવે છે.

દહીં પ્રત્યેની આટલી રુચિ લોકોમાં હોવા છતાં આયુર્વેદે તેને સદાપથ્ય આહારમાં સમાવેલ નથી. ઊલટું, અપથ્ય કહ્યું છે. ” દધિ અપપ્પાનામ્ – બધાં અપથ્ય દ્રવ્યોમાં દહીં શ્રેષ્ઠ છે ” તેમ કહી તેને ખૂબ જ અપથ્ય કહ્યું છે. અપથ્ય હોવાથી વિચાર્યા વિના રોજ વધુ દહીં ખાવામાં આવે તો નુકસાન કર્યા વિના ન રહે. ગાયના દૂધમાંથી તૈયાર થયેલું દહીં પણ તેનામાં રહેલા અભિષ્યન્દી ગુણથી અપથ્ય બનતું હોય તો ભેંશના દૂધમાંથી કે ડેરીના વાસી દૂધમાંથી કૃત્રિમ રીતે તૈયાર થયેલું ભેળસેળવાળું દહીં તો વધારે અપથ્ય નીવડે. તેથી આજે જે દહીં ખવાય છે તે ઘણા રોગો કરનારું બની શકે.

દહીં ખાટું હોવાથી તે કફ અને પિત્ત કરનાર છે. ખાટું હોવાથી આમવાત, અમ્લપિત્ત, તાવ, શીળસ, ચામડીના રોગો, સોજા, રક્તપિત્ત, કમળો, લોહીવિકાર, વ્રણ, પાંડું દાહ વગેરે રોગોને પેદા કરે છે કે વધારે છે. મધુર હોવાથી તે કફ કરે છે. તેથી બળદાયી, વજન વધારનાર, પ્રિય, સ્વાદુ હોવા છતાં તે શરદી, શ્વાસ, સસણી, મેદ, પ્રમેહ, અતિનિદ્રા, જડતા, બુદ્ધિમાંઘ જેવા કફજ રોગોમાં પ્રતિકૂળ છે. દહીંનેકેટલાક લોકો ઠંડું માને છે તે યોગ્ય નથી. કેવળ તેનો સ્પર્શ શીતળ હોવાથી દાઝવા ઉપર, દાહ ઉપર ચોપડવાથી કે ધાર કરવાથી દાહનું શમન કરે છે. પેટમાં, છાતીમાં વગેરે સ્થળે બળતું હોય ત્યારે તેનો આંતરત્વચા પર સ્પર્શ થવાથી ઠંડકનો અનુભવ થાય છે. પણ ખરેખર તો તે પચે ત્યારે ગરમ છે. તેથી ગરમીના બધા રોગોને દહીં વધારે છે. ગરમ ઋતુ અને ગરમ પ્રકૃતિમાં પણ દહીં માફક નથી આવતું. નસકોરી ફૂટવી, લોહીની ઊલટી થવી વગેરે રક્તપિત્તનાં લક્ષણોમાં દહીં ખાવાથી રોગ વધે છે. ઉનાળામાં અને શરદ ઋતુમાં દહીં ખાવાનો શાસ્ત્રમાં નિષેધ છે, કારણ કે ત્યારે તે ગરમ પડે છે. ઉનાળામાં તે કારણે ખાંડ અને કપૂર મેળવીને શિખંડ રૂપે ખાવાની પ્રથા છે. ખાંડ મેળવીને ખાવાથી તેના ઉષ્ણ ગુણમાં ઘટાડો થાય છે. દહીં મધુર – સ્નિગ્ધ હોવાથી પચવામાં ભારે છે. તેથી કફવાળા કે મંદાગ્નિવાળા લોકો જો વધુ દહીં ખાય તો મુશ્કેલીથી પચે છે. ગુરુ ગુણથી દહીં વધુ ખાનારના શરીરમાં ગુરુતા વધારી વજન વધારે છે. તેથી મેદસ્વી માણસોએ તો દહીંને દૂરથી નમસ્કાર કરી લેવા જોઈએ. પરંતુ આશ્ચર્ય તો એ હોય છે કે આવા જાડિયા લોકોને દહીં ખાવાનો વધુ શોખ હોય છે. દહીંને કારણે તેમનો ખોરાક પણ સરવાળે વધારે લેવાતો હોય છે. તેથી તેમની મેદવૃદ્ધિમાં ગુણાકાર થયા જ કરતો હોય છે. દહીં નડવાનું ખાસ કારણ તેનો અભિષ્યન્દી ગુણ હોય છે. આ ગુણથી દહીં શરીરના સ્રોતોમાં અવરોધ પેદા કરે છે. કબજિયાત, સાંધા પકડાઈ જવા, સોજા આવવા, ગળામાં અવરોધ થવો, બહેરાશ વગેરે થાય છે.

ગાયના દૂધમાંથી બનાવેલું દહીં થોડી માત્રામાંક્યારેકખાવામાં આવે તો હૃદ્ય બને છે, પરંતુ ભેંશના દૂધમાંથી બનાવેલું દહીં વધારે પ્રમાણમાં કે હંમેશાં ખાવામાં આવે તો ઊલટાનો હૃદયરોગ થવા સંભવ છે. દહીંમાં કાન્તિકર ગુણ હોવાથી દહીં ખાવાથી શરીરનો વાન ઊજળો બને છે, ચહેરાનું તેજ વધે છે. જે લોકો બાજરીના રોટલા અને દહીં ખાય છે ( ખાવા હિતાવહ નથી છતાં ) તેઓની ત્વચા ગોરી હોય છે. દહીંમાં મધુર – અમ્લ રસ, ગુરુ – સ્નિગ્ધ – ઉષ્ણ ગુણ હોવાથી તે વાયુનાશક છે. ( છતાં આમવાતમાં તો દહીં દુશ્મન સમજવું. ) આ કારણે દહીં થાકેલા માટે હિતાવહ છે. શેત્રુંજય કે ગિરનાર ચડ્યા બાદ લોકો આ કારણે દહીં ખાતા હોય છે, દહીંમાં ગ્રાહી ગુણ ખાસ ધ્યાન દોરે તેવો હોવાથી તે મળને બાંધે છે અને તેથી ઝાડાનું તે મહત્ત્વનું ઔષધ બને છે. સૂંઠ, જીરું કે મેથીનું ચૂર્ણ મેળવીને કે ત્રણેય નાખીને દહીં પીવાથી ઝાડા તરત કાબૂમાં આવી જાય છે. અતિસાર – ગ્રહણીમાં છાશવટી, તક્રવટી કરવામાં આવે છે તે આ કારણે. વાયુથી થયેલા હરસ, મસા કે જેમાં ગુદામાં સખત દુખાવો થાય તેમાં દહીં હિતાવહ છે. સૂરણના શાક સાથે દહીં લેવું જોઈએ.

દહીં કફકર હોવાથી અને પિત્તકર પણ હોવાથી વસંત ઋતુમાં અપથ્ય મનાયું છે. દહીં ખાવું હોય તેણે ક્યારેક થોડા પ્રમાણમાં અને સ્વસ્થ અવસ્થામાં હેમંત, શિશિર અને વષાઁમાં ખાવું. દહીં સાથે કેળાં, દૂધ અને ગોળ વિરુદ્ધ હોવાથી તેની સાથે ન ખાવું. દહીં અને કેળાં કે ગોળ ખાનારને ચામડીના રોગો ખસ, ખરજવું વગેરે થવા સંભવ છે. રાત્રે દહીં ખાવાથી તેના અભિષ્યન્દી ગુણથી કબજિયાત સોજા, શીળસ,કિડનીના રોગો, નેત્રરોગો, તાવ વગેરે થવા સંભવ છે. દહીં પોતે ગરમ હોવાથી તેને ગરમ કરીને ખાવાથી પિત્તનો પ્રકોપ રહે છે. તેથી દહીંને વઘારીને કે દહીંની કઢી કરીને ખાવાની પ્રથા નુકસાકારક છે. કેટલાક લોકો ખાટું દહીં નડશે તેવી ભીતિને કારણે કાચું – મોળું દહીં ખાતા હોય છે ; પણ કાચા દહીંમાં અભિષ્યન્દી ગુણ વધારે હોવાથી તે તો વધુ નડે છે. જમવામાં છેલ્લે દહીં ખાવાથી તે વધુ ભારે પડે છે ને કફ કરે છે. ( છાશ વલોવેલી હોય તો તે જમ્યા બાદ લઈ શકાય.) મોટા ભાગનાં (કફનાં, પિત્તનાં, રક્તનાં અને આમનાં ) દરદોમાં દહીં અપથ્ય હોવાથી ( ઝાડા અને મસા સિવાયના દરદીએ ) દહીં ખાવું નહીં.

અમે ભાઈ – બહેનો નાનાં હતાં ત્યારે અમારે ત્યાં ગાયનું દહીં થતું તે ખાવા બેસી જતાં તો બા તુરંત તેમાં ચપટી મીઠું, ખાંડ અથવા થોડું પાણી મેળવીને જ ખાવાનો આગ્રહ કરતાં. આજે આયુર્વેદના ગ્રન્થોનાં જોતાં તે આગ્રહ પાછળ શાસ્ત્રીય પરંપરા હતી તેમ લાગે છે. કારણકે આયુર્વેદે વાયુમાં મીઠું નાખીને, પિત્તમાં ખાંડ, ઘી, સાકર કે આમળાં મેળવીને અને કફમાં પાણી કે મધ મેળવીને જ દહીં ખાવાની અનુમતિ આપેલ છે. કફના રોગોમાં કે અન્યમાં મધ અથવા મગ મેળવીને પણ દહીં ખાવાની છૂટ છે. પહેલાં મગની દાળ ઘેરા ઘેર બનાવતા ત્યારે દાળભાત સાથે ચમચી કે બે ચમચી દહીં લેવાની પ્રથા હતી, જેથી તે દહીં નડવાનો સંભવ ઓછો રહેતો.

દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..

નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.

વધુ માહિતી માટે સંપર્ક કરો : Raj Parmar : only whatsapp 97 22 666 44 2

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat