આયુર્વેદિક જીવનશૈલી : રસોડાની સુંઠના એક બે નહિ પુરા સત્તર ફાયદાઓ વિશે જાણો…

સૂંઠનો શબ્દકોષિય અર્થ થાય શુધ્ધિ કરનાર: સૂંઠનું એક સંસ્કૃત નામ છે વિશ્વભૈષજ (‘વિશ્વેશાં સર્વેશાં રોગાણાં પ્રાયઃ ભૈષજ્યમ્’- એટલે વિશ્વના લગભગ બધાં જ રોગોનું જે ઔષધ છે) આવી વિરલ સૂંઠ આદુની સૂકવણી કર્યા પછી પ્રાપ્ત થાય છે.

સૂંઠ સ્વાદે તીખી પણ પાચન પછી મધુર છે. તે બળ આપનાર, કફનો નાશ કરનાર, હૃદયની કાર્યક્ષમતા વધારનાર અને શરીરના વિવિધ અંગોમાં થતાં દુઃખાવાને દૂર કરનાર છે. ગુજરાતી પ્રજા ક્યારેક તાનમાં આવી એમ કહી લલકારે કે ‘કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે ?’ તો આમ કહેવા માટેની હિંમત પાછળ સૂંઠના બલપ્રદ અને શક્તિપ્રદ ગુણોનો મહિમા જાણીએ. શિયાળાની સખત ઠંડીમાં નિત્ય સેવન કરવા લાયક સૂંઠ અને આદુના ઔષધિય ઉપયોગો આ પ્રમાણે છે ઃ

(૧) સ્ત્રીઓના કમરના દુઃખાવામાં – ગોખરૂ અને સૂંઠનો ઉકાળો દિવસમાં બે વખત લેવો. શ્વેતપ્રદર (લ્યુકોરિયા) – ચોખાના ઓસામણમાં ચપટી સૂંઠ ઉમેરી લાંબા સમય સુધી સેવન કરવું.

પ્રસુતિ પછીની અશક્તિમાં ઘી, ગોળ અને ઘઉંના લોટનો શીરો સૂંઠ ઉમેરી ખાવો.

(૨) કમળા (JAUNDICE) માં – રોગ મટયા પછી રહેતી અશક્તિ, અરુચિ અને ફિકાશ પર ગોળ અને સૂંઠ સમભાગે સવારે નરણાં કોઠે લેવાં.

(૩) ઝાડા વાટે કાચો આમ કે અપાચ્ય ખોરાક જતો હોય, ઝાડામાં ચીકાશ રહેતી હોય તો – સવારે હાજત ગયા પછી ગરમ પાણી સૂંઠ ઉમેરી લેવું.

(૪) IBS (Irritable Bowel Syndrome) અને ગ્રહણીમાં એક ગ્લાસ ખૂબ વલોવેલી પાતળી મોળી છાશમાં આશરે પાંચ ગ્રામ સૂંઠ ઉમેરી લેવી. મરડો કે કોલેરા હોય તો સૂંઠનું ઉકાળેલું પાણી દિવસમાં ચાર-પાંચ વખત લેવું.

(૫) પેશાબ વાટે લોહી પડતું હોય તો બકરીના દૂધમાં સૂંઠ, સાકર અને ઇલાયચી ઉમેરી લેવું.

(૬) શ્રમ કર્યા પછી લાગતો થાક અને અશક્તિને કારણે થતાં હાથ, પગ કે કમરના દુઃખાવામાં સૂંઠના ચૂર્ણની ઘર્ષણપૂર્વક ચઢતા ક્રમે માલિશ કરવી.

(૭) કાનમાં ચસકા મારતા હોય તો ગરમ પાણીમાં સૂંઠ, હળદર અને નમક ખદખદાવી કાનની ફરતે (બહારના ભાગમાં) જાડો લેપ કરી રાખવો.

(૮) હેડકી આવતી હોય અને અટકતી ન હોય તો સૂંઠ અને ગોળના હુંફાળા પાણીના બે બે ટીપાં નાકનાં બંને છિદ્રોમાં પાડવા (માથુ નીચેની તરફ ઢળતું રાખવું)

(૯) જૂની હઠીલી શરદી જેમાં કફ પાકતો ન હોય અને ભરાઈ રહેતો હોય, માથુ ભારે લાગતું હોય, આળસ અને તંદ્રા રહેતી હોય તો સૂંઠનું બારીક ચૂર્ણ સુંઘવું (આમ કરવાથી છીંકો આવી જમા થયેલો કફ બહાર નીકળશે અને માથું હલકું થશે)

(૧૦) શરીરના કોઈપણ ભાગમાં ચેપ (ઇન્ફેકશન) હોય અને તેના કારણે ઝીણો તાવ રહેતો હોય તો ખોરાકમાં ખટાશ અને ગળપણ બંધ કરી લાંબા સમય સુધી સૂંઠનું ઉકાળેલું પાણી સવારે નરણાં કોઠે લેવું.

(૧૧) હૃદયની કાર્યક્ષમતા મંદ પડી હોય, હૃદયને લોહી ઓછું પહોંચતું હોય તેમણે સૂંઠ, ગંઠોડા અને ગોળની રાબ અલ્પ માત્રામાં ઘી ઉમેરી સાંજના સમયે લેવી.

(૧૨) જે વ્યક્તિઓથી ઠંડી સહન ન થતી હોય, શરીરમાં ધૂ્રજારી કમકમા રહેતાં હોય, પવન સહન થતો ન હોય, હાથ-પગમાં કળતર રહેતી હોય તેવી વ્યક્તિઓ એ સૂંઠ, ઘી અને ગોળ સમભાગે મેળવી, ચણા જેટલી ગોળીઓ બનાવી નિત્ય દિવસમાં ત્રણથી ચાર વખત સેવન કરવા યોગ્ય છે.

(૧૩) હિમોગ્લોબીન ઘટતું હોય અને ઔષધિઓ લેવાં છતાં પણ રક્તમાં એનું પર્યાપ્ત પ્રમાણ જળવાતું ન હોય તો તાંદળજો, મેથી કે સૂવાની તાજી રાંધી એની ઉપર સૂંઠ ભભરાવી રોટલી સાથે લેવી. રક્તઅલ્પતાને કારણે આંખના પોપચા પર રહેતાં સોજા, શ્રમ કરવાથી ચઢતો હાંફ (શ્વાસ) પર પણ આ પ્રયોગ અકસીર છે.

(૧૪) વીંછી કે ઝેરી જીવજંતુ કરડે, ઝેર ચઢે ને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળવી મુશ્કેલ હોય ત્યારે સૌ પ્રથમ સૂંઠ સુંઘાડવી એમ કરવાથી ઝેરની ઉગ્ર અસર નહિ થાય.

(૧૫) ભૂખ ઉઘાડવા ભોજનની દસ-પંદર મિનિટ પહેલાં આદુના ઝીણાં ટુકડા પર લીંબુનો રસ નીચોવી, નમક ભભરાવી ખૂબ ચાવી ચાવીને ખાવા. માંદા અને અશક્ત વ્યક્તિની ખાવા પ્રત્યેની અરુચિ, વૃધ્ધોની, ભૂખનાશ પર આ પ્રયોગ સફળ પરિણામ લાવી શકે છે. વિશેષ કરીને જે બાળકો ભોજન પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય અને ખાવામાં રમત કરતાં હોય એમને ભોજનના દોઢ કલાક પહેલા આદુ-લીંબુનું સાકર અને નમક મેળવેલું શરબત આપવાથી બાળકો રસ-રૃચિપૂર્વક ખાતા થશે.

(૧૬) વારંવાર ચઢી આવતી ખાંસીમાં, ઊંટાટિયું (WHOOPING COUGH) કે દમ સસણીમાં આદુનો રસ અને મધ બે બે ટીપાં મેળવી ચાટવું. આ ચાટણના અડધો કલાક પહેલાં અને પછી અન્ન-જળ લેવા નહિ.

(૧૭) આદુનો રસ રક્તના દોષોને દૂર કરવાનો અપ્રતિમ ગુણ ધરાવે છે. રક્તવિકારથી આવતી ખંજવાળ હોય કે એલર્જીજન્ય ખંજવાળ, સોરિયાસીસ હોય કે ખરજવું આદુના રસમાં હળદર મેળવી લાંબા સમય સુધી સેવન કરવું.

દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..

નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.

વધુ માહિતી માટે સંપર્ક કરો : Raj Parmar : only whatsapp 97 22 666 44 2

Comments
Loading...
WhatsApp chat