Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : શિયાળાની શરદીના ઉપચારો વિશે જાણો વિગતવાર….

0 257

શિયાળો કફની ઋતુ હોવાથી શિયાળામાં કફ ની શરદી થવાની વધુ સંભાવના રહે છે. બાળકો, કફ પ્રકૃતિવાળા લોકો, ઠંડા પ્રદેશમાં વસતા લોકો, તેમજ મધુર, શીત, ગુરુ આહાર એટલે કે દૂધ, ઘી, માખણ, ગોળ, ખાંડ, મીઠાઈ, શેરડી, કેળા, દહીં, આઇસક્રીમ વગેરે વધુ અને વારંવાર ખાનારા લોકોને વારંવાર કફની શરદી થઇ આવતી હોય છે.

શરદી, સળેખમ કે જુકામ ઠંડી ઋતુઓનો રોગ હોવાથી આખા શિયાળા દરમિયાન તે મોટાભાગના લોકોને એકાદવાર તો થયા વિના રહેતો નથી. વર્ષા, હેમંત અને શિશિરમાં આ રોગ નવો પેદા થાય છે અથવા તેના દર્દીને દરેક ઋતુમાં વારંવાર શરૂ થાય છે. ઉમરની દ્રષ્ટિએ નાના બાળકોમાં આ રોગ વિશેષ જોવા મળે છે. પ્રદેશની દ્રષ્ટિએ ઠંડા પ્રદેશમાં ખાસ થાય છે તેથી દરિયા કિનારે ઊંચા પર્વત પર વસતા લોકોને શરદી વારંવાર અને વધુ દિવસ ચાલનારી થાય છે.

આપણે મધુર, ચીકણા, ઠંડા, કાચા, ભારે જે જે ખોરાક ખાઈએ છીએ કે આમાશયમાં જેનું મધુર પાચન થાય તેવા ખોરાક ખાઈએ છીએ તેને કારણે હોજરી માં ક્લેદક કફની વધુ ઉત્પતિ થાય છે. આ કફ આવશ્યક્તા કરતાં વધુ પેદા થાય કે કાચો રહી ને માત્રા કરતાં વધુ જથ્થો થાય ત્યારે શરીર તેને માથામાં મોકલી દે છે. માથામાં તેનું નામ તર્પક કફ પાડવામાં આવેલ છે. માથુ પોતે શરીરની રાજધાની હોવાથી જ્ઞાનેન્દ્રિયોને મગજને અવરોધ કરતો આ વિકૃત કફ માથા માટે હાનિકારક હોવાથી નજીકના દ્વારેથી અને ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે નાક દ્વારા તેને બહાર ફેંકી દેવા શરદી ઉત્પન્ન કરે છે કે ફેકવાનું કામ કરવામા તે પ્રાણ અને વ્યાન વાયુનો સાથ લે છે. તેથી વારંવાર નાક છીંકીને વધારાનો કાચો કફ આપણે બહાર ફેંકીએ છીએ હોજરીમાં નવો કફ પેદા થતો અટકે તે માટે શરીર અરૂચિ પેદા કરે છે.

ચીકણો,ઠંડો,ભારે, ગળ્યો, ખાટો, ભારે ખોરાક લેવાની ઇચ્છા કરે છે તેથી શરદી હોય ત્યારે આપણને ઓછી ભૂખ લાગે છે. આઇસ્ક્રીમ, દૂધ, દૂધની વાનગી, ઘી, માખણ, શિખંડ, ગોળ, ખાંડ, કેળા, દહી, મીઠાઈ,મીઠા ફળો, વાસી ઠંડો ખોરાક વગેરે ખાવાની ઈચ્છા થતી નથી પણ ઉલટું શરદીને પકાવે, જળતત્વને શોષે, જઠરાગ્નિ પેદા કરે અને આમનું પાચન કરે તેવો ગરમ, લૂખો અને શિરોવિરેચન વાળો માથાના કફને પાતળો કરીને નાક દ્વારા નીચે ફેંકનારો ગુણ વાળો ખોરાક ખાવાનું મન થાય છે. તેથી જ બાજરી, આદુ, રીંગણ, મરી, મરચું, લસણ, પાપડ, ખાખરા, મમરા, કઢી જેવો ખોરાક આપણને લેવાની ઈચ્છા થાય છે શેક તથા તડકો ગમે છે.

જે લોકો નિસર્ગની આ પ્રક્રિયાને સાથ આપવાને બદલે અપથ્ય ખોરાક ખાવાનો ચાલુ રાખે છે, ઠંડા પાણીથી સ્નાન કરે છે, ઠંડીમાં ફરે છે, અને રોગને દબાવનારી દવા લે છે, તેનો રોગ રૂપાંતર કરીને કાકડા, કાનની રસી, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ, ક્ષય, અને તાવ જેવા રોગોમાં રૂપાંતર પામી દર્દીને સરવાળે તન મન ધનથી બરબાદ કરે છે.

શિયાળામાં થતી કફની શરદીના લક્ષણો જુદા તરી આવે તેવા છે. તેમાં નાકમાંથી ચીકણું અને વધુ લિંટ આવે છે, સવારે તેનું પ્રમાણ વધારે હોય છે, માથુ ભારે રહે છે, સુસ્તી રહે છે, શરીર તપે છે જાણે તાવ આવી જશે તેવું લાગે છે, કપાળ આંખ ગાલ પર ભાર લાગે છે, આંખો નીચે સવારે સોજા આવી જાય છે, ભૂખ નથી લાગતી કે ઓછી લાગે છે, કફની સામ અવસ્થા હોવાથી મોમા ચીકાશ રહે છે, મળ પણ ચીકણો ઉતરે છે ને પાણીમાં ડૂબે છે. ઘેન અને ઊંઘ વધારે રહે છે ને પડ્યા રહેવાનું મન થાય છે. બૌદ્ધિક કામ કરવા ગમતા નથી. આંખો લાલ રહે છે. શરદી પાકે ત્યારે પીળો કફ અને પ્રમાણમાં વધુ લિંટ તથા કફના ગળફા પડે છે.

આ પ્રકારની શરદીમાં પાણી અડધું બળેલું ગરમ ગરમ અને તે પણ ના છૂટકે થોડું પીવું. પાણી ન પીવાથી વધુ ફાયદો થશે. લંઘન એટલે કે એક બે નકોરડા ઉપવાસ કરી નાખવા અથવા લઘુ ભોજન રૂપે રીંગણ, હળદર, આદુ, મમરા, દાળ-ભાત કે કઢી, બાજરીના રોટલાની ઉપર ની કોપટી, સરગવો, મેથી, સુવા, અજમા, કુમળા મૂળા વગેરે ગરમ હળવા અને કફ ન કરે તેવા આહાર દ્રવ્યો લેવા. રાત્રે ન જમવું. શક્ય તેટલો વધુ શેક કરવો. ગરમ પાણીથી જ સ્નાન કરવું. પંખો એસી કૂલરની હવા ન લેવી. બંધ મકાનમાં સૂવું. બંધ બાથરૂમમાં સ્નાન કરવું. તડકે તાપવું.

ઔષધમાં આદુ અથવા તુલસીનો રસ અડધો કપ દિવસમાં ત્રણ વખત લેવો. ત્રિકટુ ચૂર્ણ શુદ્ધ મધમાં એક ગ્રામ ત્રણ વખત ચાટવું. અથવા લક્ષ્મીવિલાસ રસ, વાસારિષ્ટ, વ્યોષાદિ વટી વગેરેમાંથી જે મળે તે લેવા.
જો કફ જામી ગયો હોય અને સાથે ઉધરસ પણ આવતી હોય તો સીતોપલાદી ચૂર્ણ મધ સાથે લેવું. સાથે ખદિરાદી વટી અથવા લવંગાદી વટી લેવી. તુલસી અથવા અરડૂસી જે મળે તેના તાજા પાન, આદુ, લીલી હળદર, મરી, ડુંગળી આ બધું પાણીમાં નાખી ઉકાળવું. પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળવું. આ ઉકાળો પી શકીએ તેટલો ઠંડો થઈ જાય ત્યારે તેમાં મધ નાખી પી જવો. બાળકોને બાલચતુર્ભદ્ર ચૂર્ણ શુદ્ધ મધ માં એક એક ગ્રામ ચટાડવું તથા ભૂલ્યા વગર દરરોજ શુદ્ધ મંત્રોષધી સુવર્ણપ્રાશનના ટીપા આપવા. બાળકને દૂધ ઓછું આપવું. તેમાં હળદળ અજમા વાવડિંગ નાખવા. બાળકોને પણ ઉપર જણાવેલ ઉકાળો આપી શકાય.

શરદીના દર્દીએ ઘરગથ્થુ ઉપચારમાં સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવું. રોજ સવારે જમવાના આરંભમાં એક વાટકીમાં પચીસગ્રામ જેટલા દહીંમાં આશરે પંદર દાણા કાળા મરીનો ભૂકો પાવડર કરીને મિક્સ કરી તે ખાઈ જવાનું. દસ ગ્રામ સૂંઠના ચૂર્ણમાં એક રતી સુવર્ણયુક્ત લક્ષ્મીવિલાસરસ લસોટીને બરાબર મિક્ષ કરી દેવા. આ દસ ગ્રામ ચૂર્ણની બાર પડીકી બનાવવી. તેમાંથી સવારે સાંજે અને રાત્રે એક એક પડીકું ચૂર્ણ મધમાં મિક્સ કરીને ચાટી જવાનું.

શરદીને પકાવજો. ક્યારેય કાચી દબાવશો નહિ. નહીતો ફેફસાના રોગો થયા વિના રહેશે નહીં.

દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..

નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.

વધુ માહિતી માટે સંપર્ક કરો : Raj Parmar : 97 22 666 44 2

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat