કોરોના મહામારી વચ્ચે મોરબી જિલ્લામાં મનરેગા હેઠળ ૩૨૦૨ શ્રમિકોને રોજગારી

લોકડાઉનની પરિસ્થિતિમાં ગામડાના શ્રમિકો માટે આશિર્વાદરૂપ

સોશ્યિલ ડિસ્ટન્ટ જાળવી, માસ્ક પહેરી શ્રમિકો કામે લાગ્યા

     સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે, અને ધંધા– રોજગાર બંધ છે. તેવા સમયે રોજ કમાઈને પરિવારોનો જીવન નિર્વાહ ચલાવતા લોકોને તકલીફ ન પડે અને લોકડાઉનમાં પણ તેમને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના કામો શરૂ કરવા માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના રોજનું કમાઈને જીવન નિર્વાહ ચલાવતા પરિવારો ભૂખ્યા ન રહે તે માટે સમગ્ર રાજ્યમાં મનરેગા થકી રોજગારી ઉભી કરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

  કોવીડ-૧૯ નાં સંક્રમણને અટકાવવાં દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના સમયમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા ૩૨૦૨ શ્રમિકોને રોજગારી ઉપલબ્ધ કરાવી છે.

                મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીના ૫ તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત વિવિધ કામો શરૂ થયા છે. જેમાં મોરબી તાલુકામાં ૪૬ કામોમાં ૩૭૦ શ્રમિકો, વાંકાનેરમાં ૩૦ કામોમા ૧૦૨૬ શ્રમિકો, ટંકારામાં ૧૧ કામોમાં ૭૧૦ શ્રમિકો, હળવદમાં ૧૨ કામોમા ૬૪૪ શ્રમિકો અને માળીયા(મીં)માં ૦૪ કામોમાં ૪૫૨ શ્રમિકોને રોજગારી મળી રહે છે. શ્રમિકોને કોવીડ-૧૯ માર્ગદર્શીકા મુજબ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, સેનેટાઇઝર, પાણી, છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે.

                મનરેગા હેઠળ રોજગારી મેળવી રહેલા શ્રમિકોએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં અમને કામ મળતું ન હતું, મનરેગા યોજનાના કામો શરૂ થતા અમને રોજગારી મળવા લાગી છે. આ ૩૨૦૨ શ્રમિકોને સરકારના નવા મનરેગા યોજનાના વેતન દર રૂા.૨૨૪/-  મુજબ રોજગારી મેળવી રહયા છે.                               

              આ દરેક કામોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને શ્રમિકો કામ કરી રહયાં છે. શ્રમિકોને પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં માસ્ક અને સેનેટાઈઝર સાથે રાખીને કામો શરૂ કરવામાં આવ્યા છે તેમજ આરોગ્ય વિભાગની ટીમે  પ્રાથમિક તપાસ પણ હાથ ધરી હતી. હજુ આગામી સમયમાં આ યોજના અંતર્ગત દરેક ગ્રામ પંચાયતોમાં કામો શરૂ થાય તે માટે પણ આયોજન કરવામાં આવી રહયું છે.

        હાલમાં જ વાંકાનેર તાલુકાના તરકીયા ગામે મનરેગા યોજના હેઠળ શરૂ થયેલ કામની મુલાકાતે જિલ્લા વિકાસ અઘિકારીશ્રી, એસ.એમ. ખટાણા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજા, તાલુકા વિકાસ અઘિકાર અને આરોગ્ય શાખાની ટીમ કામના સ્થળ પર હાજર રહી શ્રમિકોને કોરોના કોવીડ-૧૯ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સ્થળ પર શ્રમિકોના આરોગ્ય ચકાસણી કરી માસ્કનું વિતરણ કરી કામ શરૂ કરાયું હતું.

આમ, લોકડાઉનની પરિસ્થિતિમાં પણ શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ આ કામોના પરિણામે જરૂરિયાતમંદ શ્રમિકો મનરેગાના માધ્યમથી રોજગાર મેળવી સ્વમાનભેર જીવી રહયાં છે. લોકોને રોજગારી પુરી પાડવાના રાજ્ય સરકારના આવા સંવેદનશીલ નિર્ણય અને અસરકારક પગલાંઓના કારણે ગ્રામ્ય જીવનમાં ધીરે ધીરે સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ રહયો છે.

Comments
Loading...
WhatsApp chat