Billboard ad 1150*250

સુખનો પાસવર્ડ : એક વિદ્યાર્થીને શારીરિક તકલીફને કારણે સતત મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો એ પછી…

કોઈ વિદ્યાર્થી પણ રોલ મોડેલ સમો સાબિત થઈ શકે!

0 136

સુખનો પાસવર્ડ : લેખક આશુ પટેલ

આપણે સફળ લોકોના જીવનની સંઘર્ષની વાતોથી અંજાઈ જતા હોય છે પણ સામાન્ય માણસો પણ જીવનસંગ્રામમાં ઝઝૂમતા હોય છે અને વિકટ સંજોગો સામે લડત આપતા હોય છે. તેમના જીવન પરથી કે તેમના જીવનની કોઈ ઘટના પરથી પણ પ્રેરણા લઈ શકાય. આવી જ એક વાત ભાવનગરનિવાસી મિત્ર હકીમ રંગવાલા પાસેથી જાણવા મળી એ તેમના સૌજન્ય સાથે શેર કરું છું. એ વાત તેમના જ શબ્દોમાં – થોડા સુધારા સાથે વાચકો સમક્ષ મૂકું છું.

* * *

મારો દોસ્ત મુનવ્વર મર્ચન્ટ મને મળવા આવ્યો અને તેણે મને કહ્યું કે મારો દીકરો શબ્બીર સી.એ. નું ભણે છે અને તેને ખૂબ લખવાનું હોય છે તો હવે એવું થયું છે કે તે પેન હાથમાં પકડે છે ત્યાં જ તેના અંગૂઠા અને આંગળીમાં ખૂબ જ દુખાવો થાય છે. અને એ પણ સહન ન થઈ શકે એવો! કઈ લખી શકવાનો તો સવાલ જ નથી. ડોક્ટરને બતાવ્યું તો તેનું કહેવું છે કે તમે ન્યુરો ફિઝિશિયનને બતાવો!

મેં તેમને કહ્યું કે તો ડોકટર ગુરુમુખાણીસાહેબને બતાવીએ.

ડોક્ટરે એમ.આર.આઈ. અને બીજા રિપોર્ટ કરાવીને નિદાન કર્યું કે આ ખૂબ લખતા લોકોને થતો રોગ છે રાઈટર્સ ક્રેમ્પ કહે અને આનો કોઈ ઈલાજ નથી. હવે જો એને ભણવું જ હોય તો તે ડાબા હાથે લખતા શીખી જાય એ એક જ રસ્તો છે!

અને શબ્બીર ડાબા હાથે લખતા શીખી ગયો!

તેણે સી.એ. નું એક ગ્રુપ પાસ કરી લીધું હતું અને બીજા ગ્રુપની પરીક્ષા ડાબા હાથે લખી આપી એમાં એને આવડતું હતું છતાંય બધા જવાબો લખી ન શક્યો કારણકે ડાબા હાથે લખવામાં એટલી ઝડપ નહોતી અને પેપરની સમય મર્યાદા પૂરી થઈ ગઈ! ફરી વખત ટ્રાય આપી અને ૨ માર્ક ઓછા પડ્યા! ફરી ટ્રાય આપી એમાં પાછું જમણા હાથમાં થતો હતો એવો જ દુખાવો ડાબા હાથમાં ઊપડ્યો અને પેપર અધૂરું રહી ગયું!

ફરી અમદાવાદના એક ન્યુરો સર્જનને બતાવ્યું તો કહે કે આનો કોઈ જ ઈલાજ નથી. પણ તમે પ્લાસ્ટિક સર્જનને બતાવો કદાચ ઓપરેશન થતું હોય તો કોશિશ કરી જુઓ!

અને પ્લાસ્ટિક સર્જન ડોકટર કેતન પટેલને બતાવ્યું. બધું જોઈ-ચકાસીને બધી વાત સાંભળી કેતનભાઈ કહે કે આવો એક કિસ્સો મારા ધ્યાનમાં છે. એ દર્દી મેડિકલ સ્ટુડન્ટ હતો અને પછી માનસિક રોગના ડોક્ટરની સારવારથી એને સારું થઈ ગયેલું. તમે ડોકટર ભરત પંચાલને બતાવી આવો. હું ફોન પર તેમની સાથે વાત કરી લઉં છું!

ડોકટર ભરત પંચાલે ઘણું કાઉન્સેલિંગ કર્યું. તેમને લાગતું હતું કે શબ્બીરના મનમાં કદાચ ભણવાનો, પરીક્ષાનો ડર પેસી ગયો હશે. પણ શબ્બીર મક્કમ હતો કે મને કોઈ જ ડર નથી ફક્ત લખવાનો દુખાવો જ છે!

એ પછી શબ્બીરના મેડિકલ રિપોર્ટ્સ સાથે સી.એ. કાઉન્સિલને અપીલ કરી. કાઉન્સિલે કહ્યું કે તમે રાઈટર રાખી શકો પણ કોમર્સનું જ્ઞાન હોય એવો રાઈટર માન્ય નહિ રહે. અને શબ્બીરે રાઈટર રાખીને ટ્રાય આપી પણ તેને વધુ એક નિષ્ફળતા મળી!

એ પછી તેણે એક વર્ષ બ્રેક લઈને બીજા વર્ષે ફરી સાયન્સના સ્ટુડન્ટને રાઈટર તરીકે રાખીને પરીક્ષા આપી અને એ વખતે શબ્બીર પાસ થઈ ગયો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની ગયો. એક વિદ્યાર્થી નહીં પણ એક પરિવાર અને મિત્રો સહિત અનેક વ્યક્તિઓ એક સાથે “પાસ

થઈ ગઈ!

* * *

દેશના હજારો વિદ્યાર્થીઓ નાની-નાની પરીક્ષાઓમાં નિષ્ફળતાથી કે નિષ્ફળતાના ડરથી જીવન ટૂંકાવી લેતા હોય છે ત્યારે શબ્બીર મર્ચન્ટનો આ કિસ્સો એક મિસાલ સમાન છે. નાની નાની વાતે હતાશ થઈ જતા હોય એવા વિદ્યાર્થીઓ સુધી આવા કિસ્સાઓ ખાસ પહોંચવા જોઈએ. તમારી આજુબાજુમાં કોઈ વિદ્યાર્થીને હતાશ થતા જુઓ ત્યારે તેને આ કિસ્સો ખાસ કહેજો.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat