Billboard ad 1150*250

મોરબી : કપાસમાં ગુલાબી ઈયળના આતંકથી છે પરેશાની, જાણો ઈયળ નિયંત્રણ વિશે…

0 890

ગુજરાતમાં આશરે ૨૬ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ નું વાવેતર થાય છે. કપાસ ની ખેતીમાં વાવણી થી માંડીને કાપણી સુધી વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પૈકી જીવાતથી થતું નુકસાન એ કપાસમાં મુખ્ય અવરોધક પરીબળ ગણાવી શકાય છે. કપાસમાં નુકસાન કરતી જીવાતો માં મોલોમશી, તડતડીયા, થ્રીપ્સ, સફેદ માખી, પાનકથીરી અને જીંડવા કોરી ખાનારી ઇયળો નો સમાવેશ થાય છે. બીટી કપાસ આવતા ઈયળોનું નુકસાન કપાસમાં નહીવત જોવા મળે છે પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર અને ખેતીમાં આવતા બદલાવ ને લીધે કપાસની પાછલી અવસ્થા એ ગુલાબી ઇયળનું (pink bollworm) નુકસાન જોવા મળે છે. ગુલાબી ઇયળ જીંડવામાં અંદર પેસી જઇને નુકસાન કરતી હોવાથી તેની હાજરીની નોંધ લઇ શકાતી નથી અને એક છુપા દુશમનની માફક નુકસાન કરે છે. આ જીવાતથી ૬૦% જેટલું નુકસાન થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ જીવાતનો ઉપદ્રવ વર્ષે અને વર્ષે વધતો જાય છે. આ જીવાતનાં નિયંત્રણ માટે તેની ઓળખ, જીવનચક્ર અને તેના નુકસાનના પ્રકાર વિષે જાણવું એ ખુબજ અગત્યનું બની રહે છે.
કપાસમાં થતી ગુલાબી ઈયળ નિયંત્રણ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનીવર્સીટી મોરબીના ડો. હેમાંગી ડી. મહેતા અને ડી.એ.સરડવાએ સૂચનો આપ્યા છે
જીવન ચક્ર અને ઓળખ
આ જીવાત એ પોતાના જીવન કાળ દરમ્યાન જુદી-જુદી ચાર અવસ્થાઓ માંથી પસાર થાય છે.
ઇંડા અવસ્થા: આ જીવાતનાં ઇંડા ચપટા અને લંબગોળ આકારના હોય છે જે કુંમળા પાનની નીચેની બાજૂએ, કપાસની ફૂલ-ભમરી તેમજ કળી અને નાના જીંડવાની રૂવાટી ઉપર એકલ દોકલ અથવા ર થી ૧૦ ની સંખ્યામાં જથ્થામાં મૂકાતા હોય છે. ઇંડા અવસ્થા ૪ થી ૬ દિવસની હોય છે.
ઇયળ અવસ્થા: નાની અવસ્થાની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે. જ્યારે મોટી ઈયળ ગુલાબી રંગની હોય છે.
કોશેટો અવસ્થા: આ જીંવાતનો કોશેટો આછા બદામી રંગનો હોય છે. ઇયળની છેલ્લી અવસ્થા જીંડવામાં રહેલા બે બીજ એક બીજા સાથે ભેગા કરી તેમાં કોશેટો બનાવે છે અને તેમાથી લગભગ ૬-૨૦ દિવસે ગુલાબી ઇયળનુ પુખ્ત બહાર આવે છે.
પુખ્ત અવસ્થાઃ ફૂદી ઘાટા બદામી રંગની અને આગળની પાંખો ઉપર કાળા ટપકાં હોય છે જયારે પાછળની પાંખોની ધારો ઉપર વાળની ઝાલર હોય છે. નર અને માદા ફૂદીનો જીવનકાળ અનુક્રમે ૧૫ અને ૨૦ દિવસનો હોય છે. કપાસનો પાક પુરો થવાના સમયે છેલ્લી પેઢીની ઇયળો સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે અને કયારેક બે વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. પાકની અવધી દરમ્યાન આ જીવાતની કેટલી પેઢીઓ થવી અને ઇયળની સુષુપ્ત અવસ્થા ધારણ કરવી તેનો આધાર કપાસના બીજમાં રહેલા તેલનું પ્રમાણ, વાતાવરણનુ તાપમાન અને ભેજનાં ટકા ઉપર આધારિત છે. સામાન્ય રીતે આ જીવાત વર્ષ દરમ્યાન ૪-૬ પેઢીઓ થતી હોય છે. કોશેટામાંથી ફૂદીઓ મે-જૂન અને જુલાઇઓગષ્ટમાં બહાર આવે છે. મે-જૂનમાં નીકળતી મોટા ભાગની કૂદીઓ ઇંડા મૂકતી નથી. પરંતું જુલાઇ-ઓગષ્ટમાં નીકળતી ફૂંદીઓ ઇંડા મૂકીને વધુ નુકસાન કરે છે. આમ, જીવાતનું સંપૂર્ણ જીવન ચક્ર સામાન્ય રીતે ૨૨-૭૭ દિવસનું હોય છે. પરંતુ પાક પુરો થયા બાદ ઇયળો સુષુપ્ત અવસ્થામાં જતાં તેનું જીવન ચક્ર લગભગ ૧૩ થી ૧૩.૫ મહિના સુધીનું હોય છે.
નુકસાન
આ જીવાતનો ઉપદ્રવ એ છોડમાં કળીઓ અને ફૂલ બેસવાની શરુઆત થાય ત્યારે થતો હોય છે. ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઇ જઇ ગુલાબના ફૂલ જેવા આકારમાં (રોસેટ) ફેરવાઇ જાય છે. ઇંડામાંથી નીકળી ઇયળ નાનું કાણું પાડી ફૂલ, કળી અથવા નાના જીંડવામાં દાખલ થાય છે. સમય જતા ઇયળે પાડેલ કાણું કુદરતી રીતે પુરાઇ જાય છે. આ ઇયળથી ઉપદ્રવિત નાના જીંડવા, ભમરી, ફૂલ ખરી પડતા હોય છે. ઇયળ જીંડવાની અંદર દાખલ થઇ રુ તેમજ બીજને નુકસાન કરે છે. ઘણીવાર એક કરતાં વધુ ઇયળ એક જ જીંડવામાં જોવા મળે છે. બીજની આજુબાજુનું રૂ પીળું પડી જાય છે. જીવાતના નુકસાનથી ઉત્પાદન પર માઠી અસર પડે જ છે. પરંતુ તેની સાથે સાથે રૂ ની ગુણવત્તા, કપાસના બીજમાં તેલના ટકા અને બીજની સ્કુરણશક્તિ ઉપર અવળી અસર પડતી હોય છે. પરિણામે જીનીંગમાં પણ ધટાડો જોવા મળે છે.
બીટી કપાસમાં પાકનાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધવાના કારણો
જીવાત જીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશી દવા ઇયળ સુધી પહોંચી શકતી નથી. આ જીવાતનું નુકસાન જીંડવા અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાનને જોઇ શક્તા નથી અને તેના માટે આ જીવાત સામે સજાગતા વિકાસ પામી નથી. ખેડૂતો મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ દવા છાંટવાનું બંધ કરતા હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાછળની અવસ્થામાં વધારે રહેતો હોય છે. આ જીવાતના કુદરતી દુશ્મનનો પણ બીજી અન્ય જીવાત કરતા ઘણા ઓછા હોવાથી જૈવિક નિયંત્રણનો કાર્યક્ષમ ઉપયોગ લઇ શકાતો નથી. ખેડૂતો મોટે ભાગે કપાસ પુરો થયેથી તેની કરાઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મુકી રાખે છે. આમ કરવાથી આ જીવાતને અવશેષ પ્રભાવનો લાભ મળે છે. આ જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવુ નુકસાન ઓછું થતુ હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી. હકીકતમાં આ જીવાતથી કપાસની
ગુણવત્તા ઉપર ખુબ જ માઠી અસર પહોચતી હોય છે અને સારા ભાવ મળતા નથી. બીટી જીનની કપાસની પાછોતરી અવસ્થાએ ઓછી અસરકારકતા પણ આ જીવાતનો ઉપદ્રવ વધતો હોવનું કારણ ગણાવી શકાય છે. પાછલી આવસ્થાએ કપાસ લોઢવાના જીન ચોમાસા સુધી ચાલુ રહેતા હોવાથી તેની આજુબાજુનાં ખેતરમાં આ ઇયળની શરુઆત ખુબ જ વહેલી થઇ જતી હોય છે. જીનીંગ દરમ્યાન નિકળેલ વધારાના કપાસિયામાં આ જીવાત સુષુપ્ત અવસ્થામાં રહે છે અને નવા વાવેતરમાં ફૂલ-ભમરી અને જીંડવા શરુ થતાં તેનો ઉપદ્રવ શરુ થતો હોય છે.
બીટી કપાસમાં ગુલાબી ઇયળનું અસરકારક નિયંત્રણ
વાવણી સમયે ધ્યાનમાં રાખવાનાં મુદ્દા :-
– કપાસનું આગોતરુ વાવેતર (મે માસ) કરવું નહી, ૧૫ જુન થી ૧૫ જુલાઇનો સમય કપાસની વાવણી માટે ઉત્તમ છે.
– વહેલી પાકતી, ચુસીયા જીવાત સામે પ્રતિકારક, સરકાર માન્ય બીટી સંકર બિયારણનો વાવણી માટે કરવો. ઉદા. જી.કોટ.હા.-૮ (બીજી-૨) અને જી.તિ.એચ.એચ.-૪૯ (બીજી-૨).
– કપાસનાં બીયારણનાં પેકેટમાં આવેલ નોન બીટી બિયારણનું પાંચ હારમાં સંરક્ષણ પટ્ટી તરીકે અને મકાઇ અથવા જુવારની કપાસની હાર વચ્ચે છાંટ નાખવી.
– શક્ય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઉંડી ખેડ કરવી.
– એમ.ડી.પી. ટયુબનાં હેક.૧૦૦૦ ટપકા કપાસમાં કુલ અવસ્થાએ બેથી ત્રણ વખત ૩૦ દિવસનાં ગાળે કરવાં.
– હેક્ટરે ૧ થી ૨ની સંખ્યામાં પ્રકાશ પિંજર ગોઠવવા.
જુદી જુદી પાક અવસ્થાએ લેવાનાં થતાં પગલાઓ :-
(૧) ૪૫-૬૦ દિવસ :
– ગુલાબી ઇયળની મોજણી માટે પ્રતિ એકરે ૨ ફેરોમેન ટ્રેપ (લ્યુર સાથે) લગાડવા, રોજ ફુદાની સંખ્યા તપાસવી અને સતત ૩ દિવસ સુધી સરેરાશ ૮ નર ફુદા પકડાય તો લીંબોડીનાં મીંજ ૫% અથવા લીંબોડીનું તેલ ૫ મિ.લી. પ્રતિ લિટર અથવા બ્યુવેરિયા બાસિયાનાં ૬૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી મુજબ છંટકાવ કરવો.
(૨) ૬૦-૯૦ દિવસ :
– મોજણી દરમ્યાન ફુલ અવસ્થાએ ફુલોમાં ૫-૧૦% નુકશાન (રોસેટ / બંધ પાંખડીવાળ ફુલો) જોવા મળે તો ખેતરમાંથી રોસેટ ફુલો અને ખરી પડેલ ફુલ ભમરીઓને એકત્ર કરી ઇયળ સહિત નાશ કરવો.
(૩) ૯૦-૧૨૦ દિવસ :
– જૈવિક નિયંત્રણ માટે ઇંડાની પરજીવી ભમરી (ટ્રાયકોગ્રામા બેક્ટેરીયાના પર્જીવીક્રરણ કરેલા ૧ થી ૧.૫ લાખ ઇંડા પ્રતિ હેક્ટરે) ૧૫ થી ૩૦ દિવસનાં અંતરે ૪ થી ૫ વખત છોડવાં.
– ટ્રાયકોગ્રામા કાર્ડને પાનની નીચેની બાજુએ ચીપકાવવા અને ટ્રાયકોગ્રામા કાર્ડ લગાવ્યા બાદ અઠવાડિયા સુધી જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહિ.
– ખુલ્લા જીંડવામાં ઇયળની હાજરી સહિત ૧૦% નુકશાન જોવા મળે તો જંતુનાશક દવાઓ જેવીકે ક્વીનાલફોસ ૨૫ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ફેનવલરેટ ૨૦ ઇ.સી. ૧૦ મિ.લી. અથવા પોલીટ્રીન સી ૪૪ ઇ.સી. ૧૦ મિ.લી. અથવા એમામેક્ટીન પ ડબલ્યુ.જી. ૨ ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લી. અથવા ફ્લલ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસ.સી. ૩ મિ.લી અથવા નોવાલાયુરોન ૧૦ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ક્લોરાટ્રેનીલીપ્રોલ ૨૦ એસ.સી ૩ મિ. લી. લેખે દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી.

સમયસર બે વીણી પુરી કરી ૧૮૦ દિવસે થયે પાકને જડમુળથી કાઢી નાખવો અને કપાસની સાંઠીઓ / કરાઠીઓનો બાળીને નાશ કરવાની જગ્યાએ તેનાં નાના ટુકડાઓ કરી ક્મ્પોસ્ટ (સેંદ્રિય ખાતર) બનાવવા ઉપયોગ કરવો.
દરેક વીણી બાદ કપાસનો સંગ્રહ ન કરતા જો શક્ય હોય તો બજારમાં માલ પહોચાડી દેવો.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat