Billboard ad 1150*250

મોરબી : વર્ષાઋતુ બાદ રોગોથી બચવા અને તંદુરસ્તી જાળવવા શું કરવું ? જાણો સુચારૂ ઉપાય…

0 129
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ગયા રવિવારે આપણે જોયું કે વર્ષાઋતુના તહેવારોમાં આપણે શું લેવું જોઈએ. અને આ રીતે ચોમાસાના ચાર મહિના ગાળવાથી શરીર તંદુરસ્ત રહે છે છતાં જો ઋતુના કારણે રોગ થઈ આવે તો તેની સારવાર નીચે પ્રમાણે કરવી.
ઝાડા-ઊલટી અને કોલેરા :
ઉપર જણાવ્યું તેમ કાળજી ન રાખી શકાય તેવી સ્થિતિમાં જો ઝાડા ઉલટી થાય તો સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવા માટે આપવું. ઝાડા ઉલટી વધુ પ્રમાણમાં થતાં હોય તો ઉકાળેલા પાણી સાથે લીંબુ નીચોવીને તેને રસ આપવો. મોટાભાગે ઝાડા, ઉલ્ટી, કોલેરા, લીંબુના રસથી સારા થઈ જાય છે. પરંતુ જો તેનાથી સારું ન જણાય તો ‘સંજીવની વટી’ બબ્બે ગોળી દર બે કલાકે આપવી. ઝાડા વધારે થતાં હોય તો ‘કપુરરસ’ નામની એકથી બે ગોળી બે વાર કે ત્રણ વાર પાણી સાથે આપવી.
કમળો:
જો કમળો થાય તો દર્દીને દૂધ બંધ કરાવવું અને ચણા તથા ગોળ, ભાત અને ગોળ અથવા ખાંડ, ભાત અને વઘાર વગરનું દાળનું પાણી અને કોરી રોટલી, શેરડી નો ટુકડો ચૂસીને ખાવા. લીંબુનું શરબત બે થી ત્રણ વાર આપવું. નારંગી, મોસંબી વગેરે ફળો આપવા. કાળી દ્રાક્ષ ચાવીને ખાઈ શકે તો ચાવીને નહીં તો તેનું પાણી આપવું. આમ કરવાથી ઘણી વખતે કમળો પરેજથી સારો થઈ જાય છે. તે વાયરસ  ઇન્ફેક્શનથી થનાર હોવાથી વગર દવાએ યોગ્ય સમય બાદ તે સારો થઇ જાય છે. જરૂર લાગે તો તેમાં ‘ફલત્રિકાદિકવાથ’નો ભૂકો બે ચમચા જેટલો લેવો. બે કપ જેટલા પાણીમાં નાખીને ધીમા તાપે ઉકાળી ને તેનો ચોથાનો ભાગ બાકી રહે ત્યારે ગાળીને તેમાં સાકર નાખીને પીવા માટે આપવો. ક્ષારપપૅટી – ૧/૪ ગ્રામ તથા શુદ્ધ ગૈરિક ૧/૪ ગ્રામ અને ત્રિકટુ એક ગ્રામ ત્રણવાર મધ સાથે ચાટવા આપવા. રાત્રે સુતી વખતે ત્રિફળા બે ગ્રામ અને શેકેલુ કડુંનું ચૂર્ણ બનાવીને એક ગ્રામ જેટલું મેળવી ને કાળી દ્રાક્ષના પાણી સાથે આપવું. આમ કરવાથી કમળો સારો થાય છે.
ટાઈફોઈડ: 
ટાઈફોઈડ મુદ્તિયો ઓ તાવ છે. આજકાલ તેને વહેલો મટાડવા નો પ્રયત્ન ચાલે છે. તે તમામ પ્રયત્નો શરીરને નુકશાન કરનારા હોય છે. તેની મુદ્ત પહેલા આ તાવ મટાડવા માટે વધુ અસરકારક એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. રોગ વહેલો કાબૂમાં આવી જાય પણ શરીરની શક્તિ ના ભોગે રોગ મટાડવા બીજો રોગ ન થાય તે જ સાચી ચિકિત્સા છે. આ રોગમાં ‘અભયાદી કવાથ’ એક વાર પાવો. જરૂર લાગે તો ‘સંશમની વટી’ આપવી. રોગ સારો થયા પછી શરીર માં આવેલી અશક્તિ ને દૂર કરવા ‘ગળોસત્વ’ ૧/૨ ગ્રામ અને ‘સુવર્ણ વસંતમાલતી’ ૧/૪ ગ્રામ ૩ વાર મધ સાથે આપવી.જો મેલેરિયા થયેલ હોય તો ‘અભયાદી કવાથ’ ની સાથે સુદર્શન ચૂર્ણ એક ગ્રામ, શેકેલા કાચકા નું ચૂર્ણ ૧/૨ ગ્રામ અને ટંકણખાર ૧/૪ ગ્રામ આપવાથી મેલેરિયા મટી જાય છે.
મરડો: 
મરડા માં ચૂંક આવી ને વારંવાર મળ ત્યાગ માટે જવું પડે છે, પણ મળ  ઓછો બહાર આવે છે. આવા કફજ અને જેમાં લોહી પડતું હોય તેવા ‘રકતજ’ કે ‘પિત્તજ’ મરડામાં દારૂ હળદરનું ચૂર્ણ ૧/૨  ગ્રામ,  કુટજ ચુર્ણ ૧/૨ ગ્રામ અને બિલ્વાદિ ચૂર્ણ એક ગ્રામ ત્રણ વાર પાણી સાથે આપવું. જમવામાં છાશ + ભાત કે દહીં + ભાત આપવા. શાકભાજી બંધ કરાવવા. દાડમનો રસ કે સફરજન રુચિ અનુસાર આપવા.
અગ્નિ મંદ થવાના કારણે ‘અગ્નિમાંધ’ થાય તો એક બે દિવસની લાંઘણ કરાવીને રોગીને મગ + ભાત, મગની દાળની ખીચડી જેવો હલકો ખોરાક આપીને ‘હિંગાષ્ટક ચૂર્ણ’ ભોજન ના પહેલા કોળીયામાં અડધી અડધી ચમચી બે વાર  આપવું. ‘અગ્નિતુંડીવટી’ બે-બે ગોળી જમ્યાં પછી આપવી. જો ‘વિદગ્ધાજીણૅ’ હોય તો અગ્નિતુંડી ના બદલે શંખવટી આપવી.
શરદી ખાંસી અને દમ:-
શરદી ખાંસીમાં તુલસી,આદુ,લિલી હળદર,મરી,ડુંગળીનો રસ,અરડૂસી ના પાનનો રસ આ બધું પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. ઊકળી ગયા પછી ઠંડુ થાય ત્યારે તેમાં મધ નાખી પી જવું. જો જરૂર જણાય તો સિતોપલાદી ચૂર્ણ મધ સાથે લેવું. અને દમ હોય તો સૂંઠ, ગોળ અને ઘીની ગોળીઓ આપવી. અરડૂસીનો રસ ૧ થી ૨ ચમચી મધ નાખીને બે વાર આપવો. તેનાથી ખાંસી અને દમ માં રાહત થાય છે. શ્વાસ વધારે હોય તો ‘ભારંગ્યાદિ કવાથ’ આપવો. સાંજે ભોજન ન આપવું અને જો ભૂખ્યા ન રહી શકાતું હોય તો ૫ વાગ્યા પહેલાં જમી લેવાની સુચના આપવી. ખોરાકમાં દાળ + ભાત, ખીચડી જેવો ઢીલો ન લેતાં રોટલી, ભાખરી, ખાખરા જેવો લુખ્ખો ખોરાક આપવો. આમ કરવા છતાં શ્વાસ ન મટે તો એરંડિયાનો હળવો જુલાબ આપવો આ માટે સુંઠ ના ઉકાળા સાથે એક ચમચી એરંડિયું લેવા જણાવવું.
ચામડી ના રોગ:
આ ઋતુમાં ગરમી અને ભેજના કારણે ચામડી ઉપર પરસેવો પડવાથી અને વધુ પ્રમાણમાં ચિકાશ બહાર આવવાથી જેમ બિલાડી ના ટોપ જેવી ફૂગ ઊગી નીકળે છે તે ફૂગ થી થનાર ચામડીના રોગો પણ થઈ આવે છે. ફૂગ ને વધવા માટે સૌથી અનુકૂળ વાતાવરણ આ ઋતુમાં મળે છે. તેથી આધુનિક દ્રષ્ટિ એ જેને ‘ફંગલ ઇન્ફેક્શન’ કહે છે , તેવા દાદર વગેરે રોગો જોવા મળે છે અને ચોમાસામાં આ કારણથી જ ‘ચક્રમર્દ’ નામની વનસ્પતિ જેને ‘પુવાડીયો’ કહે છે. તેની સિંગો માંથી  નીકળતા બીજને છાશ મા લસોટીને દાદર ઉપર લગાવવાથી દાદર મટી જાય છે તેથી જ તેને ચક્રમર્દ કહે છે. ચક્રને અંગ્રેજીમાં રિંગ કહે છે ‘રિંગવમૅ’ માટેની આ સારામાં સારી દવા છે જેનો ઉકાળો પીવાથી પણ રક્ત શુદ્ધિ થાય છે. પુવાડીયા ના બીજને શેકીને તેની કોફી બનાવવામાં આવે છે. તે કોફી પીવાથી આવા ચામડીના રોગો સારા થાય છે.
આ રીતે હવે પછી વર્ષાઋતુમાં પાણી ઉકાળેલું પીવાનું રાખીએ. એકટાણું ભોજન લેવાનું રાખીએ અથવા બન્ને ટાઇમ ઓછું ભોજન લેવાનું રાખીએ. અને પાણીમાં પલળવાથી શરદી ખાંસી વગેરે થતાં હોય તો છત્રી, રેઇનકોટ વગેરેથી શરીરનું રક્ષણ કરીએ અને આ ઋતુમાં થતા રોગોથી દૂર રહી એ છતાં જો આ રોગ થઇ જાય તો અહીં જણાવેલા સાદા ઉપચાર થી મટાડી એ તો આવનારી ચોમાસાની ઋતુમાં આપણી તંદુરસ્તી જાળવી શકીએ. અને ઋતુ ની મજા માણી શકીએ. અને આયુર્વેદ ‘સ્વસ્થવૃત’ ના નિયમોમાં ‘દિનચર્યા’ અને ઋતુચર્યા ને ખુબ જ મહત્વ આપેલ છે.
આપને અમારી દર રવિવારે પ્રસિદ્ધ થતી કોલમ કેવી લગે છે? તેનો અભિપ્રાય અમને જરૂરથી આપજો 97 22 666 44 2 પર..
આવતા રવિવારે ફરી મળીશું એક નવા આયુર્વેદિક વિષય સાથે ફક્ત મોરબી ન્યુઝ પર..
નવી-નવી આયુર્વેદિક માહિતી મેળવવા HEALTH MORBI લખી 97 22 666 44 2 પર વોટ્સએપ મેસેજ કરવો.
રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) 97 22 666 44 2

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat