સુખનો પાસવર્ડ : હૃદયમાં પીડા હોય ત્યારે પણ બીજાઓના ચહેરા પર સ્મિત લાવી શકાય!

લેખક : આશુ પટેલ


ઉદાસ અને બેચેન રહેતો એક યુવાન મિત્રની સલાહથી એક મનોચિકિત્સકને મળવા ગયો ત્યારે…—–સુખનો પાસવર્ડ આશુ પટેલ—–બે સદી અગાઉની વાત છે.  
લંડનનો એક યુવાન ઉદાસ રહેતો હતો અને તેને કશું જ ગમતું નહોતું એટલે તેના એક મિત્રએ તેને એક જાણીતા ડૉક્ટર પાસે જવાની સલાહ આપી. તેણે કહ્યું કે ‘એ મનોચિકિત્સક બધા લોકોને સાજા કરી દે છે. તેને મળીશ તો એ તારામાં તરવરાટ લાવી દેશે, તારામાં નવા ઉત્સાહનો સંચાર થશે.’ 
મિત્ર સલાહ માનીને તે યુવાન મિત્રએ સૂચવેલા મનોચિકિત્સક પાસે ગયો. તેણે ડોક્ટરને કહ્યું કે ‘મને કશું ગમતું નથી, ક્યાંય ચેન નથી પડતું, ઊંઘ નથી આવતી અને સતત બેચેનીનો અનુભવ થાય છે.’
તે ડૉક્ટરે તેની તકલીફ ધ્યાનથી સાંભળી અને પછી તેને સલાહ આપી કે ‘તું કોમેડિયન જોસેફ ગ્રિમાલ્ડીનો શો જો. તને મજા પડી જશે, તારી બધી ઉદાસી દૂર થઈ જશે. તું બેચેની, ઉદાસી, દુ:ખ-દર્દ બધું ભૂલી જઈશ અને તું એકદમ આનંદિત થઈ જઈશ. મેં મારા ઘણા પેશન્ટને કોમેડિયન ગ્રિમાલ્ડીનો શો જોવા માટે મોકલ્યા છે અને એ બધાએ ગ્રિમાલ્ડીનો શો જોઈને ખુશ થઈને મને કહ્યું છે કે એ કોમેડી શો જોયા પછી અમને ખૂબ સારું લાગ્યું, અમારી ઉદાસી અને બેચેની ગાયબ થઈ ગઈ. તું પણ કોમેડિયન ગ્રિમાલ્ડીનો શો જોવા જા, તને પણ સારું લાગશે.’ 
ડોકટરની સલાહ સાંભળીને તે યુવાને સવાલ કર્યો કે ‘ડૉક્ટર, તમે ક્યારેય જોસેફ ગ્રિમાલ્ડીનો શો જોવા ગયા છો?’ 
ડૉક્ટરે કહ્યું, ‘ના મને તો સમય નથી મળતો. ને મને તો કોઈ તકલીફ નથી કે મારે ખુશ થવા માટે એ શો જોવા જવો પડે. હું તો મારી જિંદગીથી ખુશ છું. વળી હું તો સમયના અભાવે પણ એ શો જોવા નથી જઈ શકતો, પણ મેં ગ્રિમાલ્ડી વિશે ખૂબ સાંભળ્યું છે. એટલે હતાશા કે નિરાશા અનુભવતા હોય એવા પેશન્ટ્સને સલાહ આપું છું કે એનો શો જોવાથી તમને સારું લાગશે.’ ડૉક્ટરની સલાહ સાંભળીને પેશન્ટ યુવાને ફિક્કું હસીને કહ્યું કે ડૉક્ટર, ‘હું જ કોમેડિયન જોસેફ ગ્રિમાલ્ડી છું!’
ડોક્ટર થોડી ક્ષણો માટે અવાક બનીને ગ્રિમાલ્ડીને જોઈ રહ્યા. તેમને એ હકીકત સ્વીકારતા થોડી વાર લાગી કે દુનિયાને હસાવનારો મશહૂર કોમેડિયન પોતે આટલો દુ:ખી હોઈ શકે.
લોકોનું મનોરંજન કરતો હોય તે માણસ પોતે દુ:ખી હોઈ શકે એ વાત પરથી કોઈના ચહેરા પર કટાક્ષમય સ્મિત આવી જાય, પણ આ ઘટના પાછળની કરુણા હદયને સ્પર્શી જાય એવી છે. 
આ વાત બે સદી અગાઉની છે, જ્યારે અખબારો અસ્તિત્વમાં પણ નહોતા આવ્યા એટલે ડૉક્ટરે ગ્રિમાલ્ડીની તસવીર પણ નહોતી જોઈ.
ગ્રિમાલ્ડીએ ડૉક્ટરને આગળ કહ્યું, ‘મને કોમેડી શો કરવાની કે અભિનય કરવાની પણ ઈચ્છા નથી થતી, પણ હું સ્ટેજ પર જાઉં છું એટલો સમય બીજાઓને હસતા જોઈને મને આનંદ થાય છે અને હું એ સમય પૂરતો મારું દુ:ખ દર્દ ભૂલી જાઉં છું!’ 
કેટલી મોટી વાત છે! 
હૃદયમાં પીડાનો ભયંકર બોજ હોય ત્યારે પોતાની કલા થકી લોકોના ચહેરા પર સ્મિત લાવનારા જોસેફ ગ્રિમાલ્ડી જેવા લોકોને સલામ કરવી જોઈએ. આ કિસ્સા પરથી એ પ્રેરણા લેવા જેવી છે કે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે પણ બીજાના ચહેરા પર સ્મિત લાવવાની કોશિશ કરવી જોઈએ.

Comments
Loading...
WhatsApp chat